ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ


ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન સોમવારે ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડિકલ ઓફિસર ડો. ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાંનું વધતું સેવન ચિંતાજનક છે, જેના કારણે સુગર જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમણે વાલીઓને બાળકોને આ પ્રકારની ખોરાકની આદતોથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો.

સરપંચ સુનીલભાઈ દભાડીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે આવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાતા રહે છે અને તેઓ હંમેશા તેમાં સહભાગી રહે છે.

કાર્યક્રમ દરમિયાન બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા ટેક હોમ રેશન તેમજ નાગલી અને જુવાર જેવા મીલેટ્સમાંથી બનેલી લગભગ ૪૦ જેટલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિસ્કીટ, શીરો, મેથીના ભજીયા, નાગલીની કેક, ગોટા અને શક્કરપારા જેવી વાનગીઓ સૌનું ધ્યાન ખેંચતી હતી. તમામ વાનગીઓ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોવાને કારણે નિર્ણાયકોને ક્રમ નક્કી કરવામાં મુશ્કેલી પડી હતી.

મીલેટ્સ વિભાગમાં પાટી નિશાળ ફળિયા કેન્દ્રને નાગલીની કેક માટે પ્રથમ, પાટી દિગ્ધા ફળિયા કેન્દ્રને જુવારના ગોટા માટે બીજો અને જામનપાડા મંદિર ફળિયા કેન્દ્રને શક્કરપારા માટે ત્રીજો ક્રમ મળ્યો હતો.

ટેક હોમ રેશન વિભાગમાં બાળશક્તિમાંથી બિસ્કીટ માટે બારી ફળિયા કેન્દ્રને પ્રથમ, માતૃશક્તિના શીરા માટે દુકાન ફળિયા કેન્દ્ર પાણીખડકને બીજો અને પૂર્ણાશક્તિના મેથીના ભજીયા માટે ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો.

નિર્ણાયકો તરીકે ડો. ચિરાગ ગાવિત, સરપંચ સુનીલભાઈ દભાડીયા અને મહેન્દ્રભાઈ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમ માટે સીડીપીઓ દક્ષાબેન ઠક્કરનું માર્ગદર્શન મળ્યું હતું. સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન તેમજ તમામ આંગણવાડી વર્કર બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હીરલબહેને સંભાળી હતી.


















Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું

તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા