તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો.
તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો.
ખેરગામ, તા. ૨૫/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળવારના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
પોષણ ઉત્સવમાં જાડાધાન્ય એટલે કે મિલેટ્સ તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ૫૦થી વધુ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ અને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ સહિત ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે પોષણ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પોષણ એટલે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક. સરકાર દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિની THR સામગ્રીમાં પણ આ પોષક તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી બહેનોએ આ સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોષણ ઉત્સવમાં પ્રદર્શિત કરવામાં આવેલી વિવિધ વાનગીઓ મિલેટ્સ અને THR સામગ્રીમાંથી જ તૈયાર કરવામાં આવી છે અને આવી પૌષ્ટિક વાનગીઓ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.
પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, પ્રકૃતિએ માનવજીવન માટે ખોરાકની સુંદર વ્યવસ્થા કરી છે. અનાજનો દાણો પોષણનો મહત્વપૂર્ણ આધાર છે અને યોગ્ય પોષણ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે.
વાનગી સ્પર્ધાના પરિણામો
મિલેટ્સ વિભાગ:
૧. બાજરીના ઢોકળાં — જામનપાડા દુકાન ફળિયા કેન્દ્ર
૨. નાગલીના ઢોકળાં — પાણીખડક દિપલા ફળિયા કેન્દ્ર
૩. જુવારના થેપલાં — કાકડવેરી ડવા ફળિયા કેન્દ્ર
THR વિભાગ:
૧. બાલશક્તિમાંથી તૈયાર કરાયેલી બરફી — કાકડવેરી દેશમુખ ફળિયા કેન્દ્ર
૨. પૂર્ણાશક્તિમાંથી તૈયાર કરાયેલી તલની ચીકી — જામનપાડા કેળીપાડા કેન્દ્ર
૩. બાલશક્તિમાંથી તૈયાર કરાયેલી મુઠીયા — નડગઘરી દેસાઈ ફળિયા કેન્દ્ર
કાર્યક્રમનું સંચાલન હિરલબેન પરમારે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિનું માર્ગદર્શન મળ્યું હતું.
તોરણવેરા ખાતે યોજાયેલ આ પોષણ ઉત્સવ દ્વારા મિલેટ્સ અને THR સામગ્રીના પૌષ્ટિક ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Comments
Post a Comment